બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો માટે બે વર્ષ પહેલાં ઈમ્પેક્ટ ફીનો કાયદાનો અમલ શરૂ કર્યો હતો. જેની મુદત ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.રાજ્યના તમામ શહેરોમાં મોટા પાયે બિનઅધિકૃત બાંધકામોની ફરિયાદ મળતા સરકાર દ્વારા તમામ મિલકતધારકો પાસે એક નક્કી કરેલી ફી લઇને તમામ બિનઅધિકૃત બાંધકામોને નક્કી કરેલા કાયદાને અંતર્ગત રેગ્યુલર કરવા માટે વર્ષ 2022માં છ મહિના માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક નિયમોને લીધે લોકો તરફથી મોળો પ્રતિસાદ મળતા તેની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી સરકાર દ્વારા ચાર વાર મુદત વધારવામાં આવી છે. છેલ્લીવાર 17 જૂનના રોજ છ મહિના માટે મુદત વધારવામાં આવી હતી. જે 16 ડિસેમ્બર 2024 સુધીની છે.
ઇમ્પેક્ટ ફીના કાયદા ખૂબ ગૂંચવણ ભરેલા છે કે જે મોટાભાગના લોકો પાળી શકતા નથી. ઈમ્પેક્ટ ફીની એક જોગવાઈ એવી છે કે મિલકતધારક પાસે નક્કી કરેલા ધારાધોરણ મુજબનું પાર્કિંગ હોવું જરૂરી છે. આ જોગવાઇના લીધે મોટાભાગના લોકો ફાઈલ મૂકવા તૈયાર થતા નથી.