Home SURAT ઉધના મામલતદાર કચેરી ખાતે ‘સિગ્નેચર અભિયાન’માં જોડાઈને નાગરિકોએ મતદાન કરવાના શપથ ગ્રહણ...

ઉધના મામલતદાર કચેરી ખાતે ‘સિગ્નેચર અભિયાન’માં જોડાઈને નાગરિકોએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા

71
0

લોકશાહીના ઉત્સવમાં મતાધિકારનો ઉપયોગ કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ.

સુરત:ગુરૂવાર: વિધાનસભા સામાન્ય ચૂંટણી જાહેર થયા બાદ પ્રારંભથી જ સુરત જિલ્લા ચૂંટણી તંત્ર વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે મતદારો આ ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એ માટે ‘સિગ્નેચર અભિયાન’ શરૂ કરાયુ છે. અઠવાલાઈન્સ રોડ પર આવેલી ઉધના મામલતદાર કચેરી ખાતે આવનાર અરજદારો, નાગરિકો મતદાન જાગૃત્તિ સહી ઝુંબેશમાં ભાગ લઈને ‘ હું ભારતના બંધારણને સાક્ષી માની શપથ લઉં છું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં હું કોઈ પણ ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈ પણ રીતે પ્રલોભિત થયા વિના અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઊજવીશ’ એવી પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.


લોકશાહીના ઉત્સવમાં મતાધિકારનો ઉપયોગ કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉધનામાં રહેતા એડવોકેટ શ્રી દેવેન્દ્રભાઈ બોકડીયાએ ‘સિગ્નેચર અભિયાન’માં સહી કરીને મતદાનના શપથ લીધા હતા. તેમણે જણાવ્યું કે, હું પ્રત્યેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરૂ છું. મતાધિકારનું મહત્વ સમજીને સૌએ અચૂક અને નિષ્પક્ષ મતદાનના શપથ લેવા જોઈએ. લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે સૌએ સામૂહિક મતદાનના સંકલ્પ લેવા જોઈએ.
મામલતદાર કચેરીમાં કામ અર્થે આવેલા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ૪૯ વર્ષીય જયેશભાઈ પટેલે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, હું મારા અસીલોને પણ તા.૧લી ડિસેમ્બરે અવશ્ય મતદાન કરવા માટે જણાવું છું. આપણા એક એક મતનું મૂલ્ય આંકી ન શકાય એટલું અમૂલ્ય હોય છે. લોકશાહીના પર્વ આપણી સભ્ય નાગરિક તરીકે ફરજ બજાવવા માટે તક પૂરી પાડે છે. આપણે જે રીતે દિવાળી, જન્માષ્ટમી, હોળી જેવા તહેવારો ઉત્સાહથી ઉજવીએ છીએ એવી જ રીતે બહોળું મતદાન કરીને લોકશાહીના મહોત્સવની ઉજવણી કરવી જોઈએ. હું જ્યાં મગદલ્લાના બાપુનગર મહોલ્લામાં રહું છું ત્યાંના તમામ રહેવાસીઓને પણ મતદાન માટે પ્રેરણા આપીશ.

ક્રાંતિ સમય /ગુજરાતી/સુરત/સુરેશ મૌર્ય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here