અમદાવાદ, શહેરના એસજી હાઇવે પર મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ બનેલી અકસ્માતની ઘટના બાદ પુત્રના કરતૂતે પિતાની ગુનાહિત હિસ્ટ્રી લોકો સામે ખોલી દીધી છે. તથ્ય પટેલે ઓવરસ્પીડમાં કાર દોડાવી નવ લોકોનો ભોગ લીધો છે. ત્યારે પ્રજ્ઞેશ પટેલ સામે સૌરાષ્ટ્રની એક યુવતી પર ગેંગરેપ આચર્યોનો ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત યુવતી પાસેથી 30 હજાર પણ પડાવ્યા હતા. આ સાથે જે સોલામાં બે, શાહપુરમાં એક, રાણીપમાં એક, ક્રાઇમ બ્રાન્ચમાં એક, મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં એક, ડાંગમાં એક અને મહેસાણામાં એક સહિત કુલ આઠ ગુના નોંધાયા છે. પ્રજ્ઞેશ પટેલ છેલ્લાં ચાર વર્ષથી ચર્ચામાં રહ્યો છે.
2020માં સૌરાષ્ટ્રની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કેસની ફરિયાદ નોંધાતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ પ્રજ્ઞેશ પટેલને જામીન મળી ગયા હતા. 2021માં ફરી સામૂહિક દુષ્કર્મ કેસમાં સહ-આરોપી અને તેના મિત્ર તેમજ કાચા કામના કેદી જૈમિન પટેલે સાબરમતી જેલમાંથી ન છૂટવાના ડરથી જેલમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં પ્રજ્ઞેશ પટેલનું નામ સામે આવ્યું હતું. ત્યારે આજે ફરી પુત્ર તથ્ય પટેલે ૧૨૦ની ઓવરસ્પીડે જેગુઆર કાર દોડાવી ઇસ્કોન બ્રિજ ઉપર લોકોને ઉડાવ્યા હતા. એમાં 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે 5 ઈજાગ્રસ્ત થયા છે, જેને લઇને ફરી એકવાર પ્રજ્ઞેશ પટેલનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે.