Home SURAT સુરતમાં પોલીસે 15,920 જેટલા કેમેરાઓ જન ભાગીદારીથી લગાવ્યા, લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટેડ...

સુરતમાં પોલીસે 15,920 જેટલા કેમેરાઓ જન ભાગીદારીથી લગાવ્યા, લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટેડ 

41
0
ક્રાંતિ સમય

સુરત શહેરને વધુ સલામત રાખવા માટે સુરત પોલીસ દ્વારા જનભાગીદારીથી શહેરમાં અલગ-અલગ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે 15,920 જેટલા કેમેરાઓ જન ભાગીદારીથી લગાવ્યા છે. જો કે, વર્ષ 2012માં 700 જેટલા સીસીટીવી કેમેરા સુરતમાં લગાવવામાં આવ્યા હતા. તેનું મોનિટરિંગ પોલીસ કંટ્રોલરૂમથી કરવામાં આવતું હતું. હવે આ નવા જે 15,920 સીસીટીવી કેમેરા જનભાગીદારીથી શહેરમાં લાગ્યા છે, તેને પણ પોલીસની સીસીટીવી લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટેડ કરવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશનરે આજે જણાવ્યું કે, આ નવા સીસીટીવી કેમેરાઓ પોલીસના સીસીટીવી નેટવર્કમાં ઉમેરાયા હોવાના કારણે શહેરના આંતરિક રસ્તાઓ પર પણ પોલીસ હવે સીસીટીવીથી નજર રાખી શકશે. શહેરમાં બનતા મિલકત સંબંધિત કે પછી અન્ય ગંભીર ગુનાઓના ડિટેકશનમાં ઉપરાંત આરોપીઓને પકડવા તેમજ વાહનની ઓળખ કરવા માટે આ કેમેરા પોલીસને મદદરૂપ થશે. આ ઉપરાંત સુરત શહેરમાં ગુનાખોરી અને ગુનેગારોને નિયંત્રણમાં રાખવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નવા હિસ્ટ્રીશીટ ખોલવાની ઝુંબેશ મે 2013માં શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કુલ 249 નવા હિસ્ત્રોશીટ ખોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જેમાંથી 127 હિસ્ટ્રીશીટ ખોલવામાં આવી છે અને 122 હિસ્ટ્રીશીટ ખોલવાની કાર્યવાહી શરૂ છે.

શાંત અને સલામત સુરત શહેર મુહિમ અંતર્ગત સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ અટકાવવા તેમજ ગુનાઓને શોધવા માટેની એક મુહીમ પોલીસ દ્વારા ઉઠાવવામાં આવે છે. આ મુહિમ અંતર્ગત સુરત શહેર સેક્ટર-1 અને સેક્ટર-2 હેઠળ આવતા ઝોન-1 થી 6ના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોસાયટી કારખાના, ઉદ્યોગો, ટેક્સટાઇલ માર્કેટ, શોપિંગ મોલ, દુકાન, પેટ્રોલ પંપ, પાર્કિંગ પ્લોટ, શૈક્ષણિક સંસ્થા અને બેંકો પર સીસીટીવી કેમેરા લોકોના સહકારથી પોલીસ દ્વારા લગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, વેપારી તેમજ અલગ-અલગ એસોસિએશન સાથે બેઠક કરી જન ભાગીદારીથી જાહેર રોડ વ્યુ આવે તે રીતે નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરત શહેર પોલીસની જન ભાગીદારીની સાથે સીસીટીવી કેમેરા લગાવવાની આ ઝુંબેશ ખૂબ સફળ રહી છે. અલગ-અલગ જગ્યા ઉપર જન ભાગીદારીથી 15,920 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં 1,398 જેટલા કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મહત્વની વાત છે કે, આ તમામ સીસીટીવી કેમેરાને સુરત શહેર પોલીસના સીસીટીવી લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે આ તમામ કેમેરાઓનો ઉપયોગ પોલીસ કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here