સુરત:મંગળવાર: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ, સંચારી રોગ અટકાયત, ટોબેકો કંટ્રોલ તેમજ નેશનલ પ્રોગ્રામ ઓફ કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થની કામગીરી અંગે પીપલોદ સ્થિત જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત લેપ્ટોસ્પાયરોસીસ, સિઝનલ ફ્લૂ તેમજ દૂષિત પાણીજન્ય રોગોના નોંધાયેલા કેસો, તમાકુ નિયંત્રણ અને સંચારી રોગોના અટકાયતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ ચોમાસાની ઋતુ સાથે જિલ્લામાં નોંધાયેલા મચ્છરજન્ય રોગો જેવા કે મલેરિયા અને ડેન્ગ્યુના કેસની સમીક્ષા કરી તે અંગે લેવાયેલી તકેદારી વિષે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. સ્વચ્છતા પર ભાર મૂકી દરેક તાલુકાઓમાં તે અંગેની ખાસ કાળજી લેવા જણાવ્યું હતું. સાથે જ એનિમિયા મુક્ત ભારત અભિયાન હેઠળ થયેલી કામગીરીની વિગતો મેળવી સિકલસેલ નાબૂદી માટે થતી કામગીરીને વધુ અસરકારક કરવા માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવનારા દિવસોમાં યોજાનારા ‘ટોબેકો ફ્રી યૂથ’ કેમ્પેઇન વિષે જિલ્લા ડીડીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જે અંતર્ગત માધ્યમિક શાળા અને કોલેજોને આવરી લઈ યુવા વર્ગને તમાકુના દૂષણથી દૂર રાખવા થનારી વિવિધ એક્ટિવિટી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડીડીઓ દ્વારા તમાકુનો ઉપયોગ થતાં હોય તેવા હોટ સ્પોટ્સને શોધી ત્યાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના અધિકારી/કર્મચારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, નગરપાલિકાઓના ચીફ ઓફિસરો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા.